તાપી જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સફળતાપૂર્વક સંપન્ન: 23,000 થી વધુ ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
વ્યારા, તાપી: તાપી જિલ્લામાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા દ્વારા આયોજિત ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત ખેડૂતોના દ્વારે ‘ભારત કૃષિ જાગરણ યાત્રા’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ અભિયાન તા. 29 મે, 2025 થી 12 જૂન, 2025 દરમિયાન યોજાયું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી જિલ્લાના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ અને સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભારત દેશના 700થી વધુ જિલ્લાઓમાં યોજાઈ હતી, જેમાં 2000થી વધુ વૈજ્ઞાનિકોની ટીમે આશરે 1.5 કરોડ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
તાપી જિલ્લામાં આ યાત્રાનો શુભારંભ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામેથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં તાપી જિલ્લાના 7 તાલુકાના કુલ 150 ગામોના 16,471 આદિવાસી ખેડૂત ભાઈઓ અને 7,463 મહિલાઓ મળીને કુલ 23,934 ખેડૂતો/મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ ખેડૂતોને વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ, એગ્રી-ડ્રોન ટેકનોલોજી, પશુપાલન, કૃષિ અને સંલગ્ન વ્યવસાય થકી ઉદ્યોગસાહસિકતા વિકાસ તથા કૃષિ અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, ખેડૂતોના ખેતી અને સંલગ્ન વ્યવસાયોના પ્રશ્નોનું ચર્ચા દ્વારા નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં આ ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ને સારો આવકાર મળ્યો હતો. આદિવાસી ખેડૂતો અને મહિલાઓના પ્રતિભાવો મુજબ, આ અભિયાન દ્વારા તેમને ભારત સરકાર અને ગુજરાત સરકારની ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને ફિશરીઝ ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની ખૂબ જ સારી જાણકારી મળી હતી. ઉપરાંત, ખેતીમાં ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે વિશે પણ તેમને મૂલ્યવાન માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના વૈજ્ઞાનિકો, નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો, ખેતીવાડી-બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા-તાપીના અધિકારીઓ, ઇફકો-તાપી અને ક્રિભકો-તાપીના અધિકારીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. આ અભિયાન તાપી જિલ્લાના કૃષિ વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે.



