તાપી: કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને હિંસા, પોલીસ એક્શન મોડમાં, 12 શખ્સોની ધરપકડ
જૂની અદાવતમાં સામસામે ટોળા ઉતરી આવતા અફરાતફરી: જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે, હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
કુકરમુંડા (તાપી):
તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે બે પક્ષો વચ્ચે જૂની અદાવતને લઈ હિંસક અથડામણ થતા ચકચાર મચી ગઈ છે. જાહેર સુલેહ-શાંતિનો ભંગ થતા તાપી જિલ્લા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને પરિસ્થિતિને થાળે પાડી અત્યાર સુધીમાં કુલ 12 તોફાની તત્વોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કુકરમુંડા ગામના ખાટીક ફળિયાની ખુલ્લી જગ્યામાં ગત રાત્રે (૦૭/૦૧/૨૦૨૬) આશરે ૯:૩૦ વાગ્યાના સુમારે અગાઉ થયેલી બોલાચાલીની અદાવતમાં બે પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો બાદ મામલો બિચક્યો હતો અને સામસામે પથ્થરમારો તથા મારામારી શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતા જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને સોનગઢ, ઉચ્છલ તેમજ નિઝર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સામસામે ફરિયાદ અને પોલીસ કાર્યવાહી
આ હિંસક બનાવમાં બંને પક્ષો તરફથી કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે:
પ્રથમ પક્ષ: લિયાકત રમજાન ખાટીકની ફરિયાદ મુજબ ગૌરવ સૈદાણે, વૈભવ સોનાર સહિત 15 નામજોગ અને અન્ય 40 થી 50 અજાણ્યા માણસોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બીજો પક્ષ: પંકજભાઈ રામદાસભાઈ ચૌધરીની ફરિયાદના આધારે સદામ, અનીશ ખાટીક સહિત 19 નામજોગ અને અન્ય 10 થી 12 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અટકાયત કરાયેલ આરોપીઓની યાદી
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નીચે મુજબના 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે:
અસ્ફાક કાસમ ખાટીક
અસલમ કાસમ ખાટીક
ફારૂક રમઝાન ખાટીક
તારીખ રમઝાન ખાટીક
લિયાકત રમઝાન ખાટીક
તાહિર રહીમ ખાટીક
નાસિર યાસીન ખાટીક
ફૈઝાન ફારુખ ખાટીક
હર્ષદ રાજુભાઈ માછી
રાહુલ રાજુભાઈ માછી
પ્રશાંતભાઈ અનિલભાઈ ચૌધરી
ધીરજભાઈ વાસુદેવ મરાઠે
વર્તમાન પરિસ્થિતિ
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ કુકરમુંડા ગામમાં સંપૂર્ણ શાંતિ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ કાબુમાં છે. પોલીસ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.




