

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
ડોલવણ: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો એર-ફિલ્ડ રબર ડેમ બનવા જઈ રહ્યો છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે રૂ. ૭૯.૯૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ રબર ડેમ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની સુવિધાઓને વધુ મજબૂત બનાવશે અને ગ્રામ વિકાસનો પાયો સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દરેક ખેડૂતને પૂરતું પિયતનું અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. આ ડેમથી વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના પરિણામે જમીનનું જળસ્તર ઊંચું આવશે અને ખેડૂતો ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પાણીની તંગીનો સામનો નહીં કરે. તેમણે તાપી જિલ્લા માટે આ ક્ષણને ગૌરવશાળી ગણાવી હતી.
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે ડોલવણ તાલુકો વરસાદ પર આધારિત છે અને આ રબર ડેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં મદદરૂપ થશે. તેમણે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીનો આભાર માન્યો હતો અને સિંચાઈ વિભાગની કામગીરીને બિરદાવી હતી.
આ યોજના મિડીયમ ઇરીગેશન સ્કીમ હેઠળ અમલમાં આવશે, જે અંદાજે ૩.૫૦ એમસીએમ પાણીનો સંગ્રહ કરશે અને લગભગ ૬૫૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપશે.
એરફિલ્ડ રબર ડેમ એક ખાસ પ્રકારના કૃત્રિમ રબરથી બનેલું હોય છે, જેમાં હવા ભરવાથી તે વિયર તરીકે કાર્ય કરે છે અને જરૂરિયાત મુજબ હવા કાઢીને પાણી છોડી શકાય છે. આ ડેમ SKADA સિસ્ટમથી સ્વચાલિત હશે, અને તેમાં મેન્યુઅલ ઓપરેશનની પણ સુવિધા હશે. તેના ઝડપી નિર્માણ, ઓછી જાળવણી અને લાંબાગાળાની જળસંગ્રહ ક્ષમતાને કારણે તે સ્ટીલ ગેટ ડેમ કરતાં વધુ ફાયદાકારક છે. આ ડેમ જાપાનીઝ કોડ ૨૦૦૦ મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેની અંદાજિત આયુષ્ય ૩૦ વર્ષ છે.
અંબિકા નદી પર બનનાર આ ડેમ પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરશે, નદી પરના વિયરની ઊંચાઈ વધારશે અને દરિયાકાંઠે ખારું પાણી નદીમાં ભળતું અટકાવશે. આ પ્રોજેક્ટ EPC મોડ હેઠળ YOOIL ENVIROTECH PVT. LTD. દ્વારા અંદાજે રૂ. ૭૯.૯૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.
ડેમની કુલ લંબાઈ ૩૮૬ મીટર છે, જેમાં ૨૮૦ મીટરનો રબર ડેમ અને ૧૦૬ મીટરનો માટીપાળનો ભાગ છે. તેની ઊંચાઈ ૪.૫ મીટર અને પાણી સંગ્રહ ક્ષમતા ૧૨૩ MCFt છે. આ ડેમથી પાઠકવાડી, સિંણધઈ, ઉનાઈ, ઢોડિયાવાડ અને આસપાસના ગામોને લાભ થશે અને અંદાજે ૬૫૦ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલિમસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા સહિત અનેક પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાહતા.




