સાપુતારા ચેકપોસ્ટ પરથી કારમાંથી એરગન સાથે પાંચ ઝડપાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ચેકપોસ્ટ પરથી કારમાંથી એરગન સાથે પાંચ ઝડપાયા
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા : લોકસભાની ચૂંટણીને લઈને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ચેકપોસ્ટ પર બાજ નજર રાખી રહી છે. ત્યારે ગતરોજ સાપુતારા ચેકપોસ્ટ પર ડાંગ સાયબર ક્રાઈમ સેલનાં પી.એસ. આઈ એલ.એમ ચૌધરીએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન એક ઈનોવા કારમાંથી એરગન તથા છરા મળી આવતા કારમાં સવાર પાંચેય ઈસમોની પોલીસ દ્વારા અટકાયત કરી હતી.
સાપુતારાનો પોલીસ સ્ટાફ સાપુતારા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમા હતો તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઈનોવા ક્રિષ્ટા કાર નં. MH-02-EK-7434 આવતા પોલીસે સાઈડમાં ઉભી રાખી તપાસ કરી હતી. ત્યારે ગાડીમાંથી એરગન તથા 34 છરા મળી આવ્યા હતા. ઈનોવા ગાડીમાં મળી આવેલી એરગનને લઈને પોલીસ સ્ટાફે કારમાં સવાર ઈસમોને પૂછતા પાંચેય દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જે બાદ પોલીસે કારમાં સવાર (1) ભૂષણ બાજીરાવ શિંદે, (2) સાગર કારભારી ધવંગે, (3) રામદાસ રાજારામ સાયકર, (4) ભરત નવનાથ શિંદે, અને (5) રૂપેશ અશોક પવાર (પાંચેય રહે. ચાંદવડ જી.નાશિક)ની અટકાયત કરી એરગન તથા કાર મળી કુલ રૂપિયા 10,49,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



