

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે તૂટી ગયેલો પુલ ફરીથી શરૂ, નાના વાહનો માટે અવરજવર પૂર્વવત.
નર્મદા, 5 જુલાઈ, 2025: નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે દેડિયાપાડા-મોવી માર્ગ પર યાલ ગામ નજીક આવેલો નદી પરનો પુલ ધોવાઈને તૂટી ગયો હતો. આ ઘટનાને કારણે દેડિયાપાડા, મોવી અને સાગબારાથી જિલ્લા મથક રાજપીપળા તરફ અવરજવર કરતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
પરંતુ, હવે આ મુશ્કેલીનો અંત આવ્યો છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને યુદ્ધના ધોરણે પુલના હંગામી ધોરણે પુનર્નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વરસાદી પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે સિમેન્ટ પાઇપના ભૂંગળા મૂકીને કામચલાઉ કાચો પુલ બનાવી દેવામાં આવ્યો છે.
આ હંગામી પુલના નિર્માણથી નાના વાહનો માટે અવરજવર ફરીથી શરૂ થઈ ગઈ છે. સાગબારા, દેડિયાપાડા તેમજ આ માર્ગ પર આવતા અન્ય ગામડાઓના નાગરિકો હવે સરળતાથી આ માર્ગ પરથી પસાર થઈને જિલ્લા મથક રાજપીપળા સુધી પહોંચી શકે છે. આનાથી સ્થાનિક નાગરિકોને ઘણી મોટી રાહત મળી છે.
આશા છે કે આ હંગામી વ્યવસ્થાથી નાગરિકોની મુશ્કેલીઓ હળવી થશે અને ટૂંક સમયમાં કાયમી પુલનું નિર્માણ પણ થશે.



