વ્યારાના વિદ્યાર્થીઓએ “બેગલેસ ડે” અંતર્ગત પોલીસ કાર્ય અને શિસ્તનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
વ્યારા, તાપી | ૧૨ જુલાઈ, ૨૦૨૫
વ્યારા સ્થિત શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ આજે વ્યારા પોલીસ મથક અને સબજેલની અવિસ્મરણીય મુલાકાત લીધી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાપીના ૩ જુલાઈ, ૨૦૨૫ ના પત્ર અનુસાર શનિવારે વિદ્યાર્થીઓ માટે “બેગલેસ ડે” જાહેર કરવામાં આવ્યો છે, અને આ શૈક્ષણિક પ્રવાસ તે પહેલના ભાગરૂપે યોજાયો હતો.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી વિશે પ્રત્યક્ષ જાણકારી આપવાનો હતો. પોલીસ મથકે, વ્યારા શહેરના ડીવાયએસપી શ્રી પી.જી. નરવડેએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો અને પોલીસ દળની વિવિધ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે બાળકોને ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનું ઉદાહરણ આપીને નાની ઉંમરે જ પોતાનું લક્ષ્ય નક્કી કરીને સમર્પણ અને કૌશલ્ય દ્વારા શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી. ડીવાયએસપી નરવડેએ બાળકોના પ્રશ્નોના ઉત્સાહભેર જવાબો આપ્યા અને શિક્ષણની સાથે શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો.
વધુમાં, ASI શ્રી સુદર્શનભાઈ સુભાષભાઈ અને PI રાઇટર શ્રી દિનેશભાઈએ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની દિનચર્યા, અધિકારીઓની જવાબદારીઓ અને વિવિધ હથિયારો વિશે પરિચય કરાવ્યો. તેમણે બાળકોને સલામતી અને કાયદા વ્યવસ્થા વિશે પણ સમજાવ્યું.
પોલીસ મથકની મુલાકાત બાદ, વિદ્યાર્થીઓએ વ્યારા સબજેલની મુલાકાત લીધી, જ્યાં તેમણે જેલ વ્યવસ્થા અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે ઉત્તમ શિસ્ત અને ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે, શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ શાહના ધર્મપત્ની શ્રીમતી રૂપલબેન શાહ પણ શાળા પરિવાર સાથે જોડાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ જાગૃતિમૂલક કાર્યક્રમના અંતે, સમગ્ર શાળા પરિવારે વ્યારા પોલીસ મથક અને સબજેલ પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવા કાર્યક્રમો, રોજિંદા શિક્ષણ ઉપરાંત, બાળકોમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં મદદરૂપ થશે.



