

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
વ્યારામાં નારી સંમેલન અને વિવિધ નારી સન્માન કાર્યક્રમો યોજાય
તાપી, તા. ૧: તાપી જિલ્લાના આઈ.સી.ડી.એસ. વ્યારા ઘટક-૨ દ્વારા નારી સંમેલન અને “પૂર્ણાની વાત” નામનો વાલીઓ સાથેનો એક વિશેષ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી તેમજ અન્ય અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓને કાયદાકીય માહિતી, પોષણને લગતી જાણકારી, કિટ વિતરણ, સિકલસેલ એનેમિયા વિશે સમજૂતી અને આઈ.સી.ડી.એસ.ની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મેંસ્ટ્રુઅલ હાઈજીન અને ન્યુટ્રીશન જેવા મહત્વના વિષયો પર પણ વક્તવ્યો અને ચર્ચાઓ યોજાઈ હતી, જે મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયા હતા.
ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ આ નારી સંમેલન અને પૂર્ણા યોજનાના વિશિષ્ટ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ સમયની માંગ છે અને સમાજમાં મહિલાઓનું સન્માનજનક સ્થાન હોવું જ જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારશ્રી પણ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે, જેને વધુ વેગવાન બનાવવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે ધરાવતી કિશોરીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે “HB ક્વીન” ટ્રોફી અને પ્રોત્સાહક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દરેક આંગણવાડી દીઠ બે સક્રિય કિશોરીઓને ટી-શર્ટ અને ત્રણ લેયરવાળા સ્ટીલના ટિફિનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીની કાર્યકર બહેનોએ પોષણ અંગેનો સુંદર ગરબો રજૂ કરીને કાર્યક્રમને વધુ રંગીન બનાવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટરના મધુબેન પરમારે મહિલાઓ સામે થતી જાતીય સતામણી અંગે વિસ્તૃત સમજ આપી હતી અને તેનાથી બચવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેંસ્ટ્રુઅલ હાઈજીન અને ન્યુટ્રીશનના કાઉન્સેલર મૈસુદાબેન ચૌધરીએ કિશોરીઓને એનિમિયાની ઉણપ અને સિકલસેલ એનેમિયા વિશે માહિતી આપીને જાગૃત કરી હતી.
એપોલો હોસ્પિટલના કર્મચારીએ સ્તન કેન્સર વિશે સમજણ આપી હતી અને તેના પ્રારંભિક લક્ષણો તેમજ તાત્કાલિક સારવારના મહત્વ વિશે ગંભીરતાથી માહિતગાર કર્યા હતા.
અંતમાં, વ્યારા ઘટક-૧ના સી.ડી.પી.ઓ શ્રીમતી જસ્મિનાબેન ચૌધરીએ નારી સંમેલન અને પૂર્ણાની વાત વાલી સાથેના કાર્યક્રમની સફળતા બદલ સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ અને તેમના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.




