તાપી જિલ્લામાં “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત ભારત કૃષિ જાગરણ યાત્રાનું આયોજન: ૮૫૦૦થી વધુ ખેડૂતોને લાભ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી, [જૂન ૪, ૨૦૨૫] – ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાના એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા દ્વારા “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત “ખેડૂતોના દ્વારે કૃષિ જાગરણ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો શુભારંભ ૨૯ મે, ૨૦૨૫ ના રોજ ડોલવણ તાલુકાના બરડીપાડા ગામેથી કરવામાં આવ્યો હતો અને તે ૧૨ જૂન, ૨૦૨૫ સુધી ચાલશે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી જિલ્લાના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાનો છે.
આ અભિયાન હેઠળ, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ, પ્રાકૃતિક ખેતી, સોઇલ હેલ્થ કાર્ડ, એગ્રી-ડ્રોન ટેકનોલોજી, પશુપાલન, કૃષિ અને સંલગ્ન વ્યવસાય થકી ઉદ્યોગસાહસિકતા વિકાસ તથા કૃષિ અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખેડૂતોના ખેતી અને સંલગ્ન વ્યવસાયોના પ્રશ્નોનું ચર્ચા દ્વારા નિરાકરણ પણ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં, ડોલવણ તાલુકાના ૧૨ ગામ, વાલોડ તાલુકાના ૧૫ ગામ અને સોનગઢ તાલુકાના ૧૨ ગામના કુલ ૮૫૦૭ ખેડૂતો અને મહિલાઓએ (૫૮૦૨ આદિવાસી ખેડૂત ભાઈઓ અને ૨૭૦૫ મહિલાઓ) આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના વૈજ્ઞાનિકો, નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો, ખેતીવાડી-બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા-તાપીના અધિકારીઓ, ઇફકો-તાપી અને ક્રિભકો-તાપીના અધિકારીઓએ ઉપસ્થિત રહી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી મહત્વનો ફાળો આપ્યો છે. આ “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” તાપી જિલ્લાના ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રે નવીનતા અને વિકાસનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યુંછે.



