ખેડૂતો માટે માર્ગદર્શક: વ્યારા KVK ખાતે ખેત પેદાશોના માર્કેટિંગ અને મૂલ્યાંવર્ધન પર પરિસંવાદ
તાપી જિલ્લાના ૯૫થી વધુ ખેડૂતોએ બજાર આધારિત ખેતી, ડિજિટલ માર્કેટિંગ અને મૂલ્યવર્ધન પર મેળવ્યો લાભ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
તાપી તા. ૦૯, ડિસેમ્બર:
વ્યારા સ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે તાજેતરમાં “ખેત પેદાશોનું અસરકારક માર્કેટિંગ અને મૂલ્યવર્ધન” વિષયક એક દિવસીય ખેડૂત પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ અને એએબીએમઆઈ તથા KVK વ્યારાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૯૫થી વધુ ઉત્સાહી ખેડૂતોએ ભાગ લીધો હતો.
ખેડૂતોને બજાર આધારિત ખેતી, ડિજિટલ માર્કેટિંગ અને મૂલ્યવર્ધન જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે APMC વ્યારાના ચેરમેન શ્રી ગણેશભાઈ ચૌધરીએ બજારની માંગ મુજબ ગુણવત્તાસભર ખેતી, ભીંડા-રીંગણ જેવા પાકોની વર્તમાન બજાર જરૂરિયાત અને દક્ષિણ ગુજરાતના મુખ્ય બજારો વિશે ખેડૂતોને ઉપયોગી માહિતી આપી હતી.
નિષ્ણાત વક્તાઓમાં ડૉ. જે.જે. પસ્તાગિયાએ બજાર વ્યવસ્થાપનના પડકારો સમજાવ્યા, જ્યારે ડૉ. સી.ડી. પંડ્યાએ તાપી જિલ્લાના વર્તમાન માર્કેટ સિસ્ટમ સાથે નવીન બજાર પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી. આ ઉપરાંત, ડૉ. રુચિરા શુક્લા, ડૉ. ભાવેશ ચૌધરી, ડૉ. અર્પિત ઢોડિયા, ડૉ. હર્ષલ વશી, અને ડૉ. વિરલ ચૌધરી જેવા વિવિધ નિષ્ણાંતોએ ખેડૂતોને અન્ય પાસાઓ પર પણ માર્ગદર્શિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત પ્રતિકભાઈ ચૌધરી અને અરવિંદાબેન ગામિતે આ પરિસંવાદ અંગે પોતાના સકારાત્મક પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. આ પરિસંવાદ તાપી જિલ્લાના ખેડૂતોને તેમની ખેત પેદાશોનું વધુ અસરકારક રીતે વેચાણ કરવા અને આવક વધારવા માટે નવી દિશા પૂરી પાડશે.



