સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદવહન યોજનાનું ૯૭% ભૌતિક કામગીરી પૂર્ણ: તાપીના છેવાડાના વિસ્તારોમાં પાણીની અછત કાયમી દૂર થશે


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે સિંચાઈ યોજનાનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા
તાપી: તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તાર માટેની મહત્ત્વાકાંક્ષી સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. રૂ. ૯૬૨.૧૨ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજનાની ૯૭.૩૫% ભૌતિક અને ૯૪.૭૦% નાણાંકીય કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી, પાણી પુરવઠા અને જળ સંપતિ (સ્વતંત્ર હવાલો) ઈશ્વરભાઈ પટેલે તાજેતરમાં યોજનાની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
યોજનાના મુખ્ય ઉદ્દેશો:
ઉકાઈ જળાશય આધારિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી પાણીની કાયમી અછત દૂર કરવાનો છે.
આ યોજના થકી તાપી જિલ્લાના કુલ ૧૩૬ ગામોની અંદાજિત ૨૭,૯૭૨ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
આનાથી ૧૪,૧૭૦ ખેડૂત કુટુંબોને સીધો ફાયદો થશે અને ૪૦૪ હયાત ચેકડેમોને સિંચાઈ થકી ભરવામાં આવશે.
પ્રગતિની વિગતો:
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે યોજનાના મુખ્ય પંમ્પિંગ સ્ટેશનો અને પાઇપલાઇનના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે યોજનાની ઝડપી પ્રગતિ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
યોજનામાં સ્થાપિત પાંચેય પંમ્પિંગ સ્ટેશનો ભીમપુરા, ચાંપાવાડી, સેલુડ, નારણપુરા, અને નેવાલે પરના સીવીલ વર્ક, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કામગીરી ૧૦૦% પૂર્ણ થઈ ચૂકી છે.
DGVCL/GETCO દ્વારા મોટા ભાગના પંમ્પિંગ સ્ટેશનો પર પાવર કનેક્શનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજના તાપી જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને કૃષિ ઉત્પાદકતા વધારવામાં નિર્ણાયક સાબિત થશે. તેમણે બાકી રહેલી તમામ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક સૂચનો આપ્યા હતા.



