ગુજરાતના ગામડાંનો વિકાસ હવે વધુ વેગવંતો બનશે: ૧૫મા નાણા પંચ હેઠળ રૂ. ૭૪૧.૯૦ કરોડની ફાળવણી


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકાર્યોને ઝડપી બનાવવા માટે ૧૫મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ કુલ રૂ. ૭૪૧.૯૦ કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના ગ્રામિણ નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી મળતી રહેશે.
મુખ્ય જાહેરાતો
પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.
૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો: આ ફાળવણીના આધારે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૪૫,૦૦૦થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે, જેમાં પીવાના પાણીની સુવિધાઓ અને સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ થાય છે.
ત્રણ સ્તરે વહેંચણી: આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે:
ગ્રામ પંચાયતો (૭૦%): રૂ. ૫૧૯.૩૩ કરોડ
તાલુકા પંચાયતો (૨૦%): રૂ. ૧૪૮.૩૮ કરોડ
જિલ્લા પંચાયતો (૧૦%): રૂ. ૭૪.૧૯ કરોડ
એક વર્ષમાં કુલ રૂ. ૨,૬૧૯ કરોડની ફાળવણી
મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામીણ વિકાસ માટે છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ રૂ. ૨,૬૧૯ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ટાઇડ ગ્રાન્ટ અને અનટાઇડ ગ્રાન્ટ બંનેના હપ્તાઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે, જેનાથી ગ્રામિણ સ્તરે સંતુલિત વિકાસ થઈ શકશે.



