વઘઈ રેન્જના વનકર્મીઓએ ધોળા દિવસે સાગીના લાકડાની તસ્કરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ રેન્જના વનકર્મીઓએ ધોળા દિવસે સાગીના લાકડાની તસ્કરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો
દિનકર બંગાળ, વઘઈ: વઘઈ રેન્જના વન વિભાગની ટીમે લોઅર નાકા પરથી ધોળા દિવસે ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી મારુતી વાન સાથે એક આરોપી ઝડપી પાડીને કુલ 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વધઇથી વાંસદા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ રવીપ્રસાદને મળી હતી. જે બાતમીના આધારે વઘઈ રેન્જના આરએફઓ દિલીપ રબારી, ફોરેસ્ટર કિરણ પટેલ, ભરત ચૌધરી બિટગાર્ડ, અજય ધુમ સહિત વનકર્મીઓની ટીમે વઘઇ વન વિભાગના લોવર નાકા પર વહેલી સવારે ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે ધોળા દિવસે સવારના 11:00 કલાકના સુમારે વઘઇ મુખ્ય માર્ગ તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની મારુતી ઓમની વાન નં. GJ-05 -CG-1005 પસાર થતા તેને વન કર્મીઓએ રોકવાની કોશિશ કરતા વાન ચાલકે પૂરપાટ ઝડપે હંકારી દેતા વનકર્મીઓએ મારુતી વાનનો ફિલ્મી ઢબે પીછો કરી નાની વધઈ કિલાદ ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પાસ પરમીટ વિનાના ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી મારુતી વાન સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. જ્યારે વનકર્મીઓએ મારુતી વાનની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદે નંગ-7, ઘન મીટર-0.280 ના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમત રૂ.20 હજાર, જ્યારે મારુતી વાનની કિમત રૂ.40 હજાર મળીને કુલ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લાકડા ચોરીને અંજામ આપનાર વાન ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



