

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાપીના આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
તાપી, ૦૫ જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ, ૦૫ જૂન, નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ દ્વારા “એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ, આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તાર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યારા વન વિભાગના આર.એફ.ઓ. અનિરુદ્ધ સંઘાણી સહિત વનવિભાગના અધિકારીઓ અને વનકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પર્યાવરણ સંરક્ષણ અને હરિત આવરણ (ગ્રીન કવર) વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓ રોપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આર.એફ.ઓ. અનિરુદ્ધ સંઘાણી અને વનકર્મીઓએ પોતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમથી આંબાપાણી ઇકોટુરિઝમ વિસ્તારની હરિયાળીમાં વધારો થશે, જે પર્યાવરણને વધુ સંતુલિત બનાવવામાં મદદ કરશે. આ ઉપરાંત, આ પ્રવૃત્તિથી પ્રવાસીઓ માટે પણ વધુ આકર્ષક અને રમણીય પર્યાવરણ પ્રાપ્ત થશે, જે ઇકોટુરિઝમને પ્રોત્સાહન આપશે. વ્યારા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



