

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી, તા. ૨૬ માર્ચ, ૨૦૨૫: વ્યારા તાલુકાના અંતરીયાળ જંગલ વિસ્તારમાં આવેલ રાણીઆંબા જૂથ ગ્રામ પંચાયતના રાણીઆંબા ગામમાં જિલ્લા કક્ષાના વિકાસ કામોની યોજના હેઠળ ૫ લાખ રૂપિયાના ખર્ચે ગટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત તાપી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતિ મધુબેન ભીખુભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો અને પૂર્વ સરપંચો સર્વશ્રી લીલાબેન નરસિંહભાઈ ગામીત અને કુવરજીભાઈ ગામીત તેમજ નરસિંહભાઈ ગામીત, હુસૈનભાઈ, હેમંતભાઈ ગામીત, બિનયામીનભાઈ ગામીત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતિ મધુબેન ગામીતે આ પ્રસંગે ગામના લોકોને વિકાસના કામોમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો અને આ ગટર લાઈન બનવાથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગામના આગેવાનોએ પણ આ વિકાસ કાર્ય માટે જિલ્લા પંચાયતનો આભાર માન્યો હતો.
આ ગટર લાઈનનું કામ પૂર્ણ થવાથી રાણીઆંબા ગામના રહીશોને ગટરના પાણીના નિકાલની સમસ્યાથી રાહત મળશે અને ગામમાં સ્વચ્છતાનું પ્રમાણ વધશે.



