તાપી જિલ્લામાં રેશનકાર્ડ ધારકો માટે બે મહિનાના અનાજનું એકસાથે વિતરણ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
માહિતી બ્યૂરો, તાપી, તા.૧૯
તાપી જિલ્લાના પુરવઠા તંત્ર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ આવતા તમામ રેશનકાર્ડ ધારકોને મે અને જૂન મહિનાનું અનાજ એકસાથે વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત, કાર્ડધારકો આગામી ૩૧ મે, ૨૦૨૫ સુધી પોતાના હિસ્સાનું અનાજ મેળવી શકશે.
પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અનાજ મેળવવા માટે દરેક કાર્ડધારકે કુલ ત્રણ વખત આધાર આધારિત ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત રહેશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, અંત્યોદય અને અગ્રતા ધરાવતા પરિવારોને મે મહિના માટે ઘઉં, ચોખા તેમજ રાજ્ય સરકાર દ્વારા અપાતી ખાંડ અને મીઠું સસ્તા ભાવની દુકાનો પરથી મેળવી લેવા અનુરોધ કરાયો છે. આ સાથે જ, જૂન મહિના માટેનું ઘઉં અને ચોખાનું વિતરણ પણ આ સમયગાળા દરમિયાન જ કરવામાં આવશે.
વિતરણના જથ્થા વિશે માહિતી આપતા જણાવાયું છે કે, મે અને જૂન મહિનામાં અંત્યોદય પરિવારોને કાર્ડ દીઠ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળશે. જ્યારે, અગ્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિ દીઠ ૨ કિલો ઘઉં અને ૩ કિલો ચોખા પ્રાપ્ત થશે.
રાજ્ય સરકાર દ્વારા રાહત દરે આપવામાં આવતી ખાંડ અંગે જણાવવામાં આવ્યું છે કે, મે મહિના માટે અંત્યોદય પરિવારોમાં ૩ વ્યક્તિ સુધી ૧ કિલોગ્રામ અને ૩થી વધુ વ્યક્તિઓ માટે ૦.૩૫૦ કિલોગ્રામ ખાંડ મળશે. બીપીએલ પરિવારો માટે ૦.૩૫૦ કિલોગ્રામ ખાંડ નિયત કરવામાં આવી છે. વધુમાં, NFSA પરિવારોને કાર્ડ દીઠ ૧ કિલોગ્રામ મીઠું મળવાપાત્ર રહેશે.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી આ માહિતીમાં તમામ લાભાર્થીઓને નિયત સમય મર્યાદામાં અનાજનો જથ્થો મેળવી લેવા માટે અપીલ કરવામાં આવી છે.



