ડેડિયાપાડા: શિયાલી ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા બે બાળકોના મોત
ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
ડેડિયાપાડા તાલુકાના શિયાલી ગામમાં બે માસૂમ બાળકો કરજણ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં કરૂણ મોતને ભેટ્યા છે. ગ્રામજનોની શોધખોળ બાદ બીજા દિવસે SDRFની ટીમે બેડદા ગામની સીમમાંથી બંને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.
ઘટનાની વિગત અનુસાર, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ શિયાલી ગામના બે બાળકો, વસાવા સોહનકુમાર બીપીનભાઈ (ઉંમર ૧૩) અને વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ (ઉંમર ૧૨), શાળા છૂટ્યા બાદ ગત ૨૯મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યાની આસપાસ ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો, જેના કારણે બંને બાળકો પ્રવાહમાં તણાઈ ગયા હતા.
બાળકો ગુમ થયાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા. ત્યારબાદ ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ ડેડીયાપાડા પોલીસ અને સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. આ માહિતી મળતા જ SDRFની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી.
આજે, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે SDRFની ટીમને બેડદા ગામની સીમમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણ ઘટનાના સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.



