ડાંગ જિલ્લામાં વરસાદ ધીમો પડ્યો, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટ્યા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં વરસાદ ધીમો પડ્યો, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટ્યા
ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર ભીડ જામતા ઠેર ઠેર બખા થઈ જવા પામ્યા
દિનકર બંગાળ, વઘઈ: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી અધધ પ્રવાહ સાથે ગાંડીતુર બની હતી. ગુરુવારે રાત્રીનાં અરસામાં અને શુક્રવારે દિવસ દરમ્યાન પડેલ ધોધમાર વરસાદનાં પગલે ડાંગ જિલ્લાનાં 10 જેટલા કોઝવેકમ પુલો અસરગ્રસ્ત બનતા 20 જેટલા ગામો વહીવટીમથકથી સંપર્કવિહોણા બન્યા હતા.
તેવામાં શનિવારે ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદની ધાર ધીમી થતા અસરગ્રસ્ત કોઝવેકમ પુલો પરથી પાણી ઓસરી જતા જનજીવન ફરી ધબકતુ થયુ હતુ. શનિવારે ડાંગ જિલ્લામાં ઝરમરીયા વરસાદી માહોલની વચ્ચે પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર ભીડ જામતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.
ગિરિમથક સાપુતારા શનિવારે પ્રવાસીઓથી ઉભરાયું હતુ. જેના પગલે તમામ હોટલ, હોમસ્ટે,બંગલા અને રિસોર્ટ ખાતે હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. શનિવારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, બોટનીકલ ગાર્ડન વઘઇ, વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરાધોધ, ડોન હિલસ્ટેશન સહિત જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા સમગ્ર સ્થળોનું વાતાવરણ કીકીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતુ.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 07 મિમી, વઘઇ પંથકમાં 06 મિમી, સુબિર પંથકમાં 05 મિમી, જયારે સાપુતારા પંથકમાં 11 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.



