તાપીની દીકરીએ સંસ્કૃત ક્ષેત્રે ગજવ્યું નામ: ખરસી ગામના શીલાકુમારી ગામીતને પીએચ.ડી.ની પદવી એનાયત
પ્રો. ગોપબંધુ મિશ્રના સાહિત્યમાં 'નારી' વિષય પર સંશોધન કરી મેળવી સફળતા; જીસેટ (GSET) પરીક્ષા પણ પ્રથમ પ્રયાસે પાસ કરી


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કિર્તનકુમાર ગામીત
સોનગઢ: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા ખરસી ગામની વતની શીલાકુમારી શિવાજીભાઈ ગામીતે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર જિલ્લાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. તેમણે સંસ્કૃત વિષયમાં પોતાનો મહાશોધ નિબંધ સફળતાપૂર્વક પૂર્ણ કરતા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તેમને પીએચ.ડી. (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.
સંશોધનનો વિષય અને માર્ગદર્શન
ડૉ. શીલાકુમારીએ તેમનું સંશોધન કાર્ય “प्रो. गोपबन्धुमिश્રવર્ચસ્ય રચનાસુ નારી એકમ્ અધ્યયનમ્” વિષય પર રજૂ કર્યું હતું. આ મહત્વપૂર્ણ સંશોધન કાર્ય તેમણે પ્રોફેસર ડૉ. લલિતકુમાર પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરની પદવી એનાયત થઈ છે.
GSET પરીક્ષામાં પણ મેળવી સફળતા
ડૉ. શીલાકુમારી માત્ર પીએચ.ડી. સુધી જ મર્યાદિત રહ્યા નથી, પરંતુ તેમણે પોતાના અભ્યાસકાળ દરમિયાન જ એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા દ્વારા આયોજિત ડિસેમ્બર ૨૦૨૫ની જીસેટ (GSET) પરીક્ષા પણ સંસ્કૃત વિષયમાં ઉત્તીર્ણ કરી પોતાની તેજસ્વી પ્રતિભાનો પરિચય આપ્યો છે.
સમાજમાં ખુશીનો માહોલ
એક આદિવાસી કન્યાએ શિક્ષણના શિખરો સર કરીને પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી મેળવતા ખરસી ગામ સહિત સમગ્ર તાપી જિલ્લામાં આનંદની લહેર છવાઈ ગઈ છે. આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, મિત્ર મંડળ અને સ્નેહીજનોએ તેમને પુષ્પગુચ્છ અને શુભકામનાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે.



