તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલીમ યોજાઈ


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
વ્યારા, તાપી: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા-તાપી ખાતે તાજેતરમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ સખી તથા કોમ્યુનિટી રિસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ તા. ૧૨/૦૫/૨૦૨૫ થી ૧૬/૦૫/૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યા, કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-તાપી શ્રી એ. કે. પટેલ અને સ્ટાફ, પ્રગતિશીલ ખેડૂતો તેમજ NGOના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોને આવકાર્યા હતા અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજનાની રૂપરેખા, તેની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનની જવાબદારીઓથી પણ સૌને વાકેફ કર્યા હતા. શ્રી એ. કે. પટેલે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની વર્તમાન સ્થિતિ અને આત્મા-તાપી દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) અને નોડલ ઓફિસર (NMNF)એ પાંચ દિવસ દરમિયાન ક્લસ્ટરની સમજૂતી આપી પ્રાકૃતિક કૃષિનો પરિચય કરાવ્યો હતો. તેમણે જમીન આરોગ્ય વ્યવસ્થાપન, પાક ઉત્પાદન પ્રણાલી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની શક્યતાઓ અને પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. તેમણે વિવિધ પાક પદ્ધતિઓ, બીજ અને વાવેતરની રીતો તેમજ જૈવિક કલ્ચરની બનાવટ વિશે સમજણ આપી હતી. ડૉ. એચ. આર. જાદવે વિવિધ પાકોમાં રોગજીવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડૉ. જે. બી. બુટાણીએ પ્રાકૃતિક ખેતીમાં પશુધન પ્રણાલીના એકીકરણના મહત્વ અને ટેકનિકલ પાસાઓ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી સુંદરબેન ગામીતે પ્રાકૃતિક ખેતીમાં પોતાના અનુભવો અને સફળતાની વાતો તાલીમાર્થીઓ સાથે શેર કરી હતી.
તાલીમ દરમિયાન સહભાગીઓને કેવિકે ખાતેના પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ અને વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. તેઓને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા જૈવિક કલ્ચર બનાવવાની પદ્ધતિનું જીવંત નિદર્શન દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ખેડૂતોએ તાલીમ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ પ્રો. કે. એન. રણા દ્વારા કરવામાં આવી હતી.
આ તાલીમ તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને ખેડૂતોને ટકાઉ ખેતી પદ્ધતિઓ તરફ વાળવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.



