

ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
તાપી, તા. ૨૭: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ સ્પર્ધાઓનું આયોજન તા. ૧૭/૦૩/૨૦૨૫ થી તા. ૨૦/૦૩/૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું હતું.
૬ થી ૧૪ વર્ષની વયજૂથમાં ઓર્ગન વાદન કૃતિમાં ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગામીત યશકુમાર અમિતભાઇએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
૧૫ થી ૨૦ વર્ષની વયજૂથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમે પ્રથમ ક્રમ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
તે ઉપરાંત, ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથમાં રાસ અને ગરબા કૃતિમાં કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની વિદ્યાર્થીનીઓની ટીમે અનુક્રમે તૃતીય અને દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. લોકગીત/ભજનની વ્યક્તિગત કૃતિમાં પ્રજ્ઞાબેન સંદિપભાઇ પટેલે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા આ તમામ વિજેતા કલાકારો તેમજ રાજ્યકક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર તમામ કલાકારોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ અંગેની માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતાબેન આર. ગામીતની અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.
આ સિદ્ધિ બદલ તાપી જિલ્લાના કલાકારો અને તેમની સંસ્થાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.




