સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક ડાંગી નૃત્યની બાદબાકી કરતા આયોજકો પર સાંસદ શ્રી ધવલભાઈ પટેલે લાલ આંખ કરી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક ડાંગી નૃત્યની બાદબાકી કરતા આયોજકો પર સાંસદ શ્રી ધવલભાઈ પટેલે લાલ આંખ કરી
દિનકર બંગાળ, વઘઈ : સાપુતારા ખાતે રાજયના પ્રવાસન વિભાગ દ્વારા એક મહિનો ચાલનારો મોન્સુન ફેસ્ટિવલમાં સ્થાનિક ડાંગી નૃત્યની બાદબાકી કરતા જેના બદલે વેસ્ટર્ન સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે. જેને લઈને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આયોજકો પર લાલ આંખ કરી હતી.
ગિરીમથક સાપુતારા ખાતે એક મહિનો ચાલી રહેલો મેઘ મલ્હાર મોન્સુન ફેસ્ટિવલમાં શરૂઆતથી જ વાદ વિવાદ સર્જાતા જોવા મળ્યા છે. આયોજકો દ્વારા સાપુતારાના પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રખ્યાત થાય તે હેતુને લઈને સતત એક મહિનો મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. પણ આ મેઘ મલ્હારના ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા સ્થાનિક ડાંગી આદિવાસી નૃત્યની બાદ કરી, પશ્ચિમી સંસ્કૃતિનું ટેપ રેકોડેડ સંગીત પીરસી સ્થાનિક કલાકારો સાથે હળ હળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.
15મી ઓગસ્ટ નિમિત્તે સાપુતારા પધારેલા સાંસદ ધવલ પટેલ અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજય પટેલે મોન્સૂન ફેસ્ટિવલમાં સાંજના કાર્યક્રમ નિહાળવા જતા ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે ઓરક્રેષ્ટા મ્યુઝિક પીરસતા મહેમાનો નારાજ થયા હતા. જેથી 15 મી ઓગસ્ટ રજાનો દિવસ હોવા છતાં ડોમમાં પ્રવાસીઓની પાંખી હાજરી જોતા ધવલભાઈ પટેલે આયોજકોને બોલાવી સ્થાનિક ડાંગી નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા કડક સૂચના આપતા આયોજકો હાફળા ફાફળા બની જવા પામ્યા હતા. આગામી શનિ રવિવારે સ્થાનીક ડાંગી નૃત્યનો કાર્યક્રમ યોજી વિડીઓ ફોટોગ્રાફ સાથે રિપોર્ટ કરવાની પણ કડક સૂચના આપતા આયોજકોના પગ તળે રેલો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે સતત એક મહિનો ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા માત્ર શનિ રવિવારે અને જાહેર રજાના દિવસોમાં જ કાર્યક્રમો યોજે છે તે પણ ઢંગધડા વગરના હોય પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ જવા પામી છે. તેવામાં સાંસ્કૃતિક યુવા વિભાગના અધિકારીઓ સામે ચીલા ચાલુ કાર્યક્રમો યોજવા બદલ તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક નૃત્ય મંડળીઓ તેમજ કલાકારો માંગ કરી રહ્યા છે .



