ડાંગનાં સાપુતારા ઘાટમાં થયેલ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડકશ્રી અને વહીવટીતંત્ર

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગનાં સાપુતારા ઘાટમાં થયેલ બસ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડકશ્રી અને વહીવટીતંત્ર
ઇજાગ્રસ્તો, પરિવારજનો અને મુસાફરોને સધિયારો આપતા ત્વરિત સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગતરોજ સાંજે ૧૭:૪૦ વાગ્યે ગિરિમથક સાપુતારાના માલેગામ પાસેના ઘાટમાર્ગમાં સુરતની પ્રવાસી બસને નડેલા અકસ્માતમાં, ઇજાગ્રસ્ત મુસાફરો તથા તેમના પરિવારજનોને ડાંગના ઇ.ચા. કલેકટર શ્રી બી.બી.ચૌધરી તથા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે રૂબરૂ મળી સધિયારો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરતથી સાપુતારા સહેલગાહે આવેલી ખાનગી લકઝરી બસ નંબર GJ-05-BT-9393 માં ૬૫ વ્યકિતિઓ સવાર હતા. જે પૈકી અકસ્માતમાં એક ૭ વર્ષની બાળકી અને ૩ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે ૨૬ જેટલા ઈજાગ્રસ્તોને પ્રથમ નજીકની શામગહાન CHC ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જે પૈકી એક ૫૦ વર્ષિય પુરુષ અને ૪૨ વર્ષિય ઇજાગ્રસ્ત મહિલાને આહવા સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ ખાતે રિફર કરાયા હતા. તો ત્રણ સ્ત્રી અને એક પુરુષને શામગહાનથી સીધા સુરત સિવિલ ખાતે રિફર કરાયા હતા. આ દરમિયાન આ લખાઈ રહ્યું છે ત્યારે, એટલે કે આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે ૧૯ જેટલા ઇજાગ્રસ્ત મુસાફરો શામગહાન ખાતે સારવાર મેળવી રહયા છે.

અકસ્માતની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસના જવાનો વિગેરેએ સ્થાનિક ગ્રામજનોની મદદથી તમામ મુસાફરોને સલામત રીતે બસમાથી બહાર કાઢી, ૧૦૮ મારફત શામગહાન સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચાડ્યા હતા.

ઇ.ચા. કલેકટર શ્રી બી.બી.ચૌધરી તથા ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ઇજાગ્રસ્તોની સ્થળ ઉપર જઇ જાત મુલાકાત લીધી હતી. વરિષ્ઠ અધિકારી તથા રાજ્ય સરકારના જન પ્રતિનિધિશ્રીએ તમામ મુસાફરો, ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનોને સહિયારો આપી, ઉત્કૃસ્ટ સેવા સુવિધા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.



